સુરતમાં વહેલી સવારે ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવતા લિંબાયત ઝોનના ઓમનગરમાં ઘરમાં પાણી ઘુસ્યા.

સુરત :

સુરતમાં ગઈકાલે સાંજથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે ગઈકાલે લિંબાયત ઝોનના જવાહર નગર તથા સૂર્યનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ખાડી કિનારે આવેલા આ વસાહતમાં પાણીનો ભરાવો થતાં 12 લોકોને પાલિકાની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જોકે, રાત્રીના સમયે જ પાણી ઓસરી જતાં તમામ 12 લોકો પોતાના ઘરે પહોંચી ગયા હતા. રાત્રી સમય દરમિયાન વરસાદે વિરામ લીધો હતો પરંતુ વહેલી સવારથી જ ફરી ધમધમાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ફરી એક વાર લોકોની હાલત કફોડી થઈ રહી છે.

લિંબાયત ઝોનમાં આવેલા ડુંભાલ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વરસાદી પાણીનો ભરાવો થવાનું શરૂ થયું હતું. જોતજોતામાં તો લોકોના ઘરોમાં પાણી ઘુસવાનું શરૂ થઈ ગયું હતું. અને ઓમનગરના અનેક ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીનો ભરાવો થઈ ગયો હતો. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે ખાડ઼ી કિનારે જે દબાણ થયાં છે તેને દુર કરવામાં આવતા નથી. આ દબાણ સતત વધી રહ્યાં છે તેના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ બંધ થયો છે તેથી અમારા ઘરમાં પાણી આવી રહ્યાં છે. ઓમ નગર વિસ્તારના સંખ્યાબંધ ઘરોમાં પાણી આવતાં અસરગ્રસ્ત લોકો પાલિકાને સતત ફોન કરી રહ્યાં છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)