સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત.

સુરત :

રાજ્યમાં પોલીસ વડા દ્વારા વ્યાજખોરો પર અંકુશ રાખવા સ્પેશિયલ ડ્રાઈવ યોજવા આદેશ અપાયા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિષ્ણુ નગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો. જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા. જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો. વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં. માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે. મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી. માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું. જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)