સુરતમાં સગીરાઓની છેડતી કરનાર વિકૃત પકડાયો, રાત-દિવસ ચાલી 700 CCTVની તપાસ કરવામાં આવી

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અમન નગરમાં સોસાયટીમાં રમતી બાળકીઓ સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ બાદ ઉધના પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ આ સમગ્ર મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા પણ તપાસને લઈને સતત અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું હતું અને આ સમગ્ર ઘટના બાબતે આરોપી વહેલી તકે ઝડપાય તે હેતુથી ઉધના પોલીસ ઉપરાંત સલાબતપુરા, ડીંડોલી, પાંડેસરા પોલીસ સ્ટેશનના સર્વેલન સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ બાબતે છેડતી કરનારની શોધખોળમાં જોડાઈ હતી.પોલીસે બાળકીઓની છેડતી કરનાર નરાધમને શોધવા માટે અમન નગર વિસ્તારમાંથી ઉપરાંત અલગ અલગ રસ્તાઓ પર લાગેલા 700 કરતાં વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી સાથે જ લારી અને ગલ્લાવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીની બોડી લેંગ્વેજ અને તેના વર્તનના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આરોપી પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તે ચાલતો ચાલતો અલગ અલગ ગલીઓમાંથી નીકળતો હતો અને એટલા માટે જ પોલીસ માટે આરોપીને પકડવો એક પડકારરૂપ હતું પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને પોતાના બાતમી દારોના નેટવર્કના આધારે આરોપીને ઊન પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.