સુરત :
સુરતમાં રવિવારે બપોર બાદ ઝરમર શરૂ થયેલા વરસાદે સાંજ થતા થતા ભુક્કા બોલાવી કાઢ્યા હતા. અચાનક ભારે વરસાદ શરૂ થતાં રવિવારે ફરવા નિકળેલા લોકો અટવાયા હતા. બીજી તરફ ઘરમાં રહીને રવિવાર વિતાવનાર લોકોને મોજ પડી ગઈ હતી. સાંજે 5.30 થી 7.30 દરમિયાન બે જ કલાકની વરસાદની ધુંવાધાર બેટિંગ ને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી સાંજ સુધી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
સુરતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ હતી. રવિવારે સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વાહન ચાલકો અટવાયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા હતા. બીજી તરફ સાંજે 6 વાગ્યે જ અંધારુ થઈ જતા વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે આ અતિભારે વરસાદનો સુરતીઓએ ભરપૂર આનંદ લીધો હતો. રવિવારની રજા હોવાથી લોકોએ વરસાદી માહોલને માણ્યો હતો. બીજી તરફ શહેરના નાનપુરા, કાદરશાની નાળ, સલાબતપુરા, કતારગામ, સિંગણપોર, રાંદેર, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)