સુરત :
સુરત શહેરના સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી અલગ-અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવવામા આવતા હોવાના ફ્રોડનો ભાંડો ફૂટ્યો છે. આરોપીઓ બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી લઇ દુબઇ ખાતે મોકલાવી દેતા હતા. બાદમા દુબઇ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુન્હા આચરવામાં આવતા હતા. હાલ કુલ 6 આરોપીઓની સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે.
17 જણના નામ ખુલ્યા 11 વોન્ટેડ જાહેર કરાયા
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે, સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ કેસ નોંધાતા હોય છે. પરંતુ તમામમાં એક મોડાસ ઓપરેન્ડ હોય છે કે તમામ પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હોય છે. આ બેન્ક એકાઉન્ટ કેનેરા બેન્ક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમા રાજ રૈયાણી, વિજય, મહેશ ભડીયાદરા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક દેસાઈ અને ચેન્નાઈના આરોપીનો સમાવેશ થાય છે. આ લોકો પાસેથી વસ્તુઓમાં એક ટેબલેટ મળ્યું છે. અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે. 78 સીમકાર્ડ મળ્યા છે.આ અલગ અલગ એકાઉન્ટમાં અલગ અલગ માધ્યમો દ્વારા ભારત બહાર તમામ બેન્ક એકાઉન્ટ વેચી મારતા હતા. સાથે પ્રી એક્ટિવેટ સીમ કરાવી દેતા હોય છે. અને તેની સાથે એકાઉન્ટ લિંક કરાવી દેતા હોય છે. બાદમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે બહારના રાજ્યમાં અને ,બહારના દેશમાં ઓપરેટ કરવામાં આવતા હોય છે. છ માણસો પકડવામાં આવ્યા છે. હાલ અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખુલ્યા છે. અલગ અલગ વિસ્તારના તમામ લોકોનું કનેક્શન સરથાણા કેનેરા બેન્ક સાથે જોડાયેલો છે. જેથી બેંકમાં પણ તપાસ કરવામાં આવી છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)