સુરતમાં સ્કૂલ રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 8 બાળકોને ઈજા, 3ની હાલત ગંભીર..

સુરત

સુરતના અડાજન વિસ્તારમાં સ્કૂલ રીક્ષાનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. 8 બાળકો ભરેલી સ્કૂલ રીક્ષાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી. જેથી પાંચ બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે ત્રણ બાળકો ગંભીર અવસ્થામાં ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં.ત્રણેય બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઘટનાના સમાચાર મળતાં સ્થાનિક પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમા ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

મોહમ્મદ ઉસ્માને કહ્યું કે, મને જેવી અકસ્માતની જાણ થઈ તો હું ઘટના સ્થળે દોડી ગયો હતો. મારા બે બાળકોને સામાન્ય ઈજા થઈ હોવાથી હું ઘરે લઈ ગયો હતો. બાકીના બાળકોને વધારે ઈજા હોવાથી તેમને સૌ પ્રથમ ખાનગી બાદ મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)