સુરતમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત, તાપણું કરતા ધુમાડાથી થઇ હતી બેભાન…

શિયાળાની કડકડતી ઠંડીથી બચવા સૌ કોઈ તાપણું કરીને ગરમી મેળવતાં હોય છે. ત્યારે સુરતના સચિનના પાલી ગામમા કચરો ભેગો કરીને તાપણું કરતી પાંચેક બાળકીઓ પૈકી 3નાં મોત થયાં છે. જ્યારે બેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકીઓના શરીરમાં ધુમાડો ગયા બાદ કે આઈસ્ક્રિમને લીધે તેમને ઊલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બેભાન થઈને મોતને ભેટી હતી. હાલ મોતનું સાચું કારણ જાણવા પીએમ કરવામાં આવી રહ્યું છે.

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામથી દુખદ ઘટના સામે આવી છે. જેને તમામ માતા-પિતાને ચિંતામાં મુકી દીધા છે. શુક્રવારે રાત્રે 4 બાળકોએ તાપણું કર્યું હતું. ત્યારબાદ તેમને ઉલટીઓ થતાં તબિયત લથડી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. શરૂઆતમાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, ત્યારબાદ તેમને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 બાળકોના મોત નિપજ્યા હતા અને 1 બાળકની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઘટનાની જાણ થતાં સુરત મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. આઇસક્રીમ, તાપણાનો ધુમાડો કે કોઇ અન્ય કારણોસર મોત નિપજ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ બહાર આવી શકશે.