સુરત :
સુરત પાલિકા દ્વારા તહેવારની સીઝનમાં મીઠાઈ અને માવાના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાની આવી કામગીરી છતાં પણ સુરતની અનેક દુકાનોમાં વેચાતી મીઠાઈ સુરતીઓના આરોગ્યને હાની પહોંચાડી શકે તેમ છે. સુરત પાલિકાના પાલનપોર વિસ્તારમાં મીઠાઈની દુકાનમાં શ્રીખંડમાં માખી દેખાતી હોવાથી ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાનદારે માખી બાજુએ કાઢીને શ્રીખંડ વેચાણ માટે મુકી દીધો હતો. માખીવાળો આ શ્રીખંડ લોકોના પેટમાં જાય તો આરોગ્ય સામે ખતરો થાય તે શક્યતા નકારી શકાતી નથી.
આરોગ્ય વિભાગ થયુ છે સતર્ક
સુરત પાલિકાએ શ્રાવણ માસના તહેવાર દરમિયાન સુરતમાં ફરાળી લોટ, મીઠાઈ અને માવાનું વેચાણ ધુમ થાય છે. તેથી આ વસ્તુઓના સેમ્પલ લઈને લેબોરેટરી ચકાસણી માટે મોકલી આપે છે. પાલિકા સમયાંતરે આ કામગીરી કરે છે તેમ છતાં અનેક દુકાનોમાં ગંદકી અને લોકોના આરોગ્ય જોખમાઇ તેવી ખાદ્ય વસ્તુઓના વેચાણ થતું હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત પાલિકાએ હાલમાં દરોડા પાડ્યા હતા તેમાં ફરાળી લોટનો 1 અને દુધના માવાના 3 એમ કુલ 4 સેમ્પલ ફેઈલ થયા છે. ફરાળી લોટના ધારાધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓછા હતા. જેમાં મોઈશ્યરનું પ્રમાણ 12 ટકા હોવું જોઈએ જે સેમ્પલમાં વધુ હતું અને પ્રોટીનની માત્રા ઓછામાં ઓછી 9 ટકા હોવી જોઈએ જે સેમ્પલમાં ઓછી જણાઈ હતી. તેમજ દુધના માવાના સેમ્પલમાં મિલ્ક ફેટ ઓછા ઓછું 30 ટકા હોવુ જોઈએ જે સેમ્પલમાં ઓછું હતું. આ ખામી બદલ હવે પાલિકાએ આ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા કવાયત શરૂ કરી દીધી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)