સુરત: આગામી અમરનાથ યાત્રાને પગલે સુરતના ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ફિટનેસ ચેકઅપની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂની NICU વોર્ડ ખાતે આજ સવારે સારવાર શરૂ થતાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ હાજર રહ્યા હતા.
યાત્રા માટે ફરજિયાત ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે લોકો સવારે જ લાઈન લગાવી દેતાં હોસ્પિટલ કેમ્પસમાં ભારે ભીડ જોવા મળી હતી.
હાઇએલ્ટીટ્યુડ અને દૂર્ગમ માર્ગોને ધ્યાનમાં રાખીને આ વર્ષે ખાસ નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. જેમાં 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી.
ફિટનેસ ચેકઅપ માટે શું છે જરૂરી માહિતી:
- ચેકઅપ માટે અધિકૃત ફોર્મ સાથે આધારકાર્ડ અને ફોટો ફરજિયાત છે.
- દર્દીની હાલની તબિયત, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓની ચોકસાઈથી તપાસ થાય છે.
- ચેકઅપ પછી યોગ્ય માનક મુજબ ફિટ જણાતા યાત્રાળુને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે અમરનાથ યાત્રા માટે અનિવાર્ય છે.
હાલ સમગ્ર ગુજરાતમાં અમરનાથ યાત્રા માટેના આરોગ્ય ચકાસણી કેમ્પ શરૂ થઈ ગયા છે અને સુરત શહેરમાંથી હજારો યાત્રાળુઓ પવિત્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
સ્થળ: નવી સિવિલ હોસ્પિટલ, સુરત