સુરત ક્રાઈમબ્રાંચે 19.74 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
સુરત :
સુરત શહેરમાં લાંબા સમયથી ફરી એક્ટીવ થયેલા ડ્રગ્સ માફીયાઓને પકડી પાડવા માટે પોલીસની ટીમ એક્શનમાં આવી છે. એસઓજીએ બે દિવસ પહેલા એક કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યા બાદ ક્રાઈમ બ્રાંચે 20 લાખનું અને લાલગેટ પોલીસે 1.19 લાખનું ડ્રગ્સ પકડી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા એસ.ઓ. જીએ 1 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું
એસઓજી પોલીસને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું છે. પરંતું સપ્લાય કરનાર કાશીફ, લેનાર સેહબાઝ ખાન બંને આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ અને મંગાવનાર શહેબાઝ ખાનને ફરાર જાહેર કરવામાં આવ્યા છે, પોલીસને જોઈ આરોપીઓ ડ્રગ્સ નાખીને ફરાર થઈ ગયા હતા
ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના દરવાજા આવકાર ટેલરના પાછળની ગલીમાં ઘર નંબર ૦૨/૬૭૬ સામેથી આરોપી મોહમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ (ઉ.વ.રર રહેવાસી. રૂસ્તમપુરા, ચલમવાડ, રૂસ્તમપુરા પોલીસ ચોકીની સામે, સલાબતપુરા તથા ઘર નંબર ૪૦, ખ્વાજા નગર ઝુપડપટ્ટી, ગલી નંબર ૦૩, માનદરવાજા) ની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી 19.74 લાખની કિમતનું 197.42 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવાયું હતું. આ સિવાય મોબાઈલ ફોન અને રોકડા 1200 મળી પોલીસે કુલ 20.45 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આરોપી રેહાન જાવીદ શેખ (રહે. ઘંટીવાલા ચાલ સૈયદપુરા) ને વોન્ટેડ જાહેર કર્યો છે. મોહંમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ ડ્રગ્સનો જથ્થો રેહાન પાસેથી લાવ્યો હતો. અને તેના કહ્યા મુજબ આ જથ્થાની હેરાફેરી કરતા ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો. આરોપી મોહંમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ તથા વોન્ટેડ આરોપી રેહાન જાવીદ શેખ છેલ્લા ઘણા સમયથી એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી કરી વેચતો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે ( સુરત )