દાંડી કૂચની 96મી ઉજવણી: સાબરમતી થી દાંડી સુધીની સાયકલ રેલી વાંઝ ગામ ખાતે પહોંચી!!

સુરત જિલ્લાના ચોયોસી તાલુકાનું વાંઝ ગામ, જે દાંડી કૂચ સાથે સંબંધિત ઐતિહાસિક સ્થળ છે, આજ રોજ ફરી એકવાર સ્વાતંત્ર્ય સંગ્રામના યાદગાર પળોને જીવન્ત બનાવ્યું. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત દાંડી કૂચની 96મી વર્ષગાંઠ નિમિત્તે સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંઝ ગામ: દાંડી કૂચનું મહત્વપૂર્ણ કેન્દ્ર
1930માં, મહાત્મા ગાંધીજી 12 માર્ચે સાબરમતી આશ્રમથી મીઠા સત્યાગ્રહ માટે નીકળ્યા હતા અને 2 એપ્રિલે વાંઝ ગામ પહોંચ્યા હતા. તેઓ અને તેમની સાથેના સ્વતંત્રતા સેનાનીઓએ 5 એપ્રિલે દાંડી મટવાડ ગામે પહોંચી મીઠા પર લાગેલા કરનો વિરોધ કર્યો હતો. વાંઝ ગામના સ્વતંત્રતા સેનાની કલ્યાણજીભાઈ વિઠ્ઠલભાઈ મહેતા પણ આ યાત્રામાં સામેલ થયા હતા. ભારત સ્વતંત્ર થયા પછી, તેઓ ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (સ્પીકર) બન્યા હતા.

સાયકલ રેલી વાંઝ ગામમાં પહોંચતાં ઉન્માદ:
સાયકલ રેલી આજ રોજ વાંઝ ગામ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં પહોંચી, જ્યાં રેલીમાં સામેલ લોકો દ્વારા આશ્રમની મુલાકાત લેવામાં આવી. ગામના નાગરિકોએ રેલીમાં ભાગ લેનાર સૌ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. આશ્રમના શાંતિમય વાતાવરણમાં સ્વાતંત્ર્ય સંગ્રામની યાદોને તાજી કરી, રેલીના સાઈકલિસ્ટ્સ આગળના પ્રવાસ માટે દાંડી તરફ રવાના થયા.

આ અનોખી ઉજવણી દ્વારા, ગુજરાત પ્રવાસન નિગમ અને ભાગ લેનારા સૌએ મહાત્મા ગાંધીજી અને દાંડી કૂચના યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અહેવાલ: [પ્રિયંક સોલંકી, સચિન, સુરત]