સુરત ટેકસ્ટાઇલ માર્કેટમાં બોગસ વેપારી બેસાડી ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો.

સુરત :

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે પણ માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર તેમજ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર રમેશ ઉર્ફે સીતારામ હીશોરીયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. કાપડ માર્કેટમાં પડદા પાછળ રહીને રમેશ ઉર્ફે સીતારામ માસ્ટર માઈન્ડ તરીકેની ભૂમિકા ભજવી ઉઠામણા કરાવતો હતો. જોકે અંતે આ મુખ્ય સૂત્રધાર પણ પાંજરે પુરાયો.

સુરત શહેરને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે અને દેશ વિદેશમાં આ નામથી સુરત ઓળખાય છે પરંતુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતી. ત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના પાંજરે પુરાયો છે. આ ઇસમનું નામ રમેશ ઉર્ફે સીતારામ હીશોરીયા છે. મેં 2024માં કોહીનુર મારકેટ, ન્યુ આદર્શ માર્કેટ અને સ્વદેશી ટેક્સ્ટાઇલ માર્કેટમાં 53 કરોડ 80 લાખ રૂપિયાનું ઉઠામણું થયું હતું અને ઉઠામણાની ઘટનામાં પડદા પાછળની ભૂમિકા રમેશ ઉર્ફે સીતારામે ભજવી હતી. આ બાબતે વિવર્સો દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનને 3 મેના રોજ મોરચો પણ માંડવામાં આવ્યો હતો. આ ઘટનામાં 13 વેપારી સાથે ઉઠામણું થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં સ્વદેશી ટેક્સટાઇલ માર્કેટમાં વિનાયક ફેશનના પન્નાલાલ પ્રજાપતિ અને અલંકિત શરાફ, કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં જય માતાજી સિલ્ક મિલના સંદીપ જૈન ઉપરાંત ન્યુ આદર્શ ટેક્સટાઇલ માર્કેટ અને ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ સહિત દુકાનો ખોલાવી અન્ય માર્કેટના 13 વેપારી પાસેથી માલની ખરીદી બાદ સીતારામ ઉર્ફે રમેશે પોતાના માણસોની દુકાન બંધ કરાવડાવી ઉઠામણું કરાવ્યુ હતું.

આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો અને પોલીસ દ્વારા અગાઉ રિશી શાહ અને તેની ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ રિશીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પડદા પાછળ માસ્ટરમાઈન્ડની ભૂમિકા રઘુકુળ માર્કેટમાં સીતારામ નામે પેઢી ચલાવતા રમેશ ઉર્ફે સીતારામની છે. રિશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રમેશ ઉર્ફે સીતારામ સંદીપ અને પન્નાલાલને અલગ અલગ માર્કેટમાં દુકાનો ખોલી વેપારી તરીકે બેસાડ્યા હતા અને ત્યારબાદ વિવર્સ પાસેથી રિશી અને તેની ટોળકી માલ મંગાવતી હતી અને બારોબાર સીતારામ બિહારી દલાલ મારફતે આ માલ રોકડેથી વેચી દેતો હતો. આ ઉપરાંત પોલીસની એવી પણ જાણવા મળ્યું હતું કે આ સીતારામ કોઈ એક પેઢીમાં મોટા પાયે ધંધો કર્યા બાદ પોતાના પેદાઓને દુકાન બંધ કરાવી ભગાવી મૂકતો હતો અને ત્યારબાદ ઓછા પૈસામાં સમાધાન કરવાની વાત કરીને મોટો ખેલ પાડતો હતો ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સીતારામ ઉર્ફે રમેશની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ માં મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)