સુરત :
સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સને પુનઃ ધમધમતું કરવાના પ્રયાસ અંતર્ગત ગત અષાઠી બીજના રોજ 250 ઓફિસ શરૂ કરવામાં આવી હતી. જયારે આજ રોજ ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લીયરન્સ હાઉસ પણ શરૂ કરવાની મંજૂરી મળવાની સાથે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા બુર્સને કસ્ટોડીયનની પણ મંજૂરી આપવામાં આવી છે.
કસ્ટમ ક્લીયરન્સ હાઉસની મળી મંજૂરી
આ અંગે ડાયમંડ બુર્સ કમિટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની મંજૂરી મળી ગઇ છે અને બુર્સમાં અંદાજે 40 હજાર સ્કેવર ફૂટથી વધુ જગ્યામાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કસ્ટમ હાઉસ ધમધમતું થઇ જશે. ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ કાર્ગો માટે કસ્ટમ નોટિફાઇ ન હોવાથી સુરત ડાયમંડ બુર્સ દ્વારા મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્ટ્રોંગ રૂમ માટેની જગ્યા મેળવી સ્ટ્રોંગ રૂમ બનાવ્યો હતો.જેથી મુંબઇ કસ્ટમ પાસે ટ્રાન્સશીપમેન્ટની મંજૂરી માંગી હતી અને મુંબઇ કસ્ટમ કમિશ્નર દ્વારા ડાયમંડ બુર્સને કસ્ટોડીયન તરીકેની પણ મંજૂરી આપવામાં આવી છે. જેથી ડાયમંડ બુર્સ ખાતે જીજેઇપીસીની ઓફિસ અને સ્પેશીયલ નોટિફાઇડ ઝોન પણ શરૂ થતા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે અને હીરા ઉદ્યોગને વેગ મળશે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)