સુરત :
સુરતના ડુમસની અંદાજિત 2.17 લાખ ચો.મી જમીન સરકારી પડતર જમીનમાં ગણોતનું નામ દાખલ કરીને આ 2000 કરોડની જમીનને ખાનગી માલિકીની ઠરાવવાના તત્કાલીન સુરતના કલેકટરના આદેશના પગલે આ સમગ્ર ગેરરિતીની તપાસ બાદ ગત 11મી જુનના રોજ રાજય સરકારે મહત્વના આદેશમાં આયુષ ઓકને રાજય સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા.
આ સમગ્ર જમીન કૌભાંડ પાછળ મોટા રાજકિય માથાઓને પણ હવે કૌભાંડના છાંટા ઉડે તેવી સંભાવના છે. એટલું જ નહીં રાજકિય માથાઓ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ વરૂણીમાં આવી જાય તેવી સંભાવના છે. આ જમીન કૌભાંડથી ભાજપના દિલ્હી દરબારમાં હાઈકમાન્ડ પણ નારાજ હોવાનું જણાય છે. એટલું જ નહીં જે રાજકિય મોટા માથાઓએ આ જમીન ખાનગી માલિકીની ઠરાવવા સુરતના તત્કાલીન કલેકટરને કોણે કોણે રાજકિય ભલામણ કરી હતી ? તેની પણ તપાસ ચાલી રહી છે.
અન્ય બીજા કેસમાં ઉમરપાડા ખાતે આવેલી પારસી પંચાયતની જમીનમાં કલેકટર સુરત દ્વારા ગત તા.27-4-2024ના રોજ બહુહેુતુક ઉપયોગી બિનખેતી હેતુફેરનો આદેશ કરાયો હતો. જેમાં ફાઈનલ પ્લોટની 2756 ચો.મી જમીન સંકળાયેલી હતી. આ બિનખેતીના હુકમ બાદ પુર્ણા મામલતદારે પ્રાન્ત અધિકારીને પત્ર લખીને એવું માર્ગદર્શન માગ્યું હતું કે જે જમીનના સંદર્ભમાં બિન ખેતી આદેશ કરાયો છે, તેમાં બીજા હક્કામાં ગુજરાત હાઈકોર્ટ તથા મહેસૂલ પંચનો સ્ટેનો આદેશ છે માટે , બિનખેતી નોંધનો અમલ કરવો કેમ ? પત્ર મળ્યા બાદ કાંઈક બફાઈ ગયું છે, તેવું લાગતા કલેકટર દ્વારા જ સ્પે. મહેસૂલ સચિવ સમક્ષ અરજી કરીને સ્ટેની માંગણી કરાઈ હતી. આ સ્ટે હવે આગામી 6ઠ્ઠી જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)