સુરત :
રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોરબી, રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ન્યાયની માગ કરવાનું આયોજન થયુ છે. ત્યાર સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય. કોઈપણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી. કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી.
કોર્ટમાં ડે ટુ ડે કેસ ચાલે તેવી માગ
તક્ષશિલાના વાલી જયસુખભાઈ ગજેરાએ કહ્યુ કે, કોંગ્રેસ દ્વારા જે યાત્રા શરૂ થઈ છે. તેમાં જોડાવા આમંત્રણ મળ્યુ છે. પરંતુ અમે જોડાવાના નથી. અમે કોઈ પક્ષ સાથે જોડાવા માગતા નથી. અમે રાજકીય મુદ્દો બનવા માગતા નથી. અમારી લડતમાં અમને સાથ આપવા વિનંતી કરીએ છીએ.અમારી લડતને ડાયવર્ટ થવા દેવા માગતા નથી. અમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચાલે તેવી અમે અપીલ કરીએ છીએ. સંવેદનશીલ કેસનો ઝડપથી નિકાલ થાય તેવી અમે માગ કરીએ છીએ.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)