સુરત પાલિકાની કતારગામ ઝોનમાં નબળી પ્રિ-મોન્સુન કામગીરી થોડા જ વરસાદમાં પાણીનો ભરાવો.

  • સુરત :

સુરત પાલિકાના કતારગામ ઝોનના પ્રિમોન્સુન સમીક્ષા કામગીરીમાં કોર્પોરેટરો દ્વારા યોગ્ય કામગીરી થઈ ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો તે ફરિયાદ સાચી સાબિત થઈ છે. કતારગામમાં નબળી પ્રિમોન્સૂન કામગીરીનો ભોગ પ્રજા બની રહી છે. અહીં પ્રિમોન્સુન કામગીરી નબળી થઈ હોવાથી થોડા વરસાદમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિદ્યાર્થીઓને સ્કુલે અને ટ્યુશન જવામાં મુશ્કેલી પડી રહી છે. દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આજે વહેલી સવારે પડેલા વરસાદે પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલીને મૂકી દીધી છે. આ પહેલાં કતારગામ ઝોનમાં સંકલન બેઠક મળી હતી અને પ્રિમોન્સુન કામગીરીની રિવ્યુ બેઠક મળી હતી ત્યારે કોર્પોરેટરોએ કામગીરી થઈ નથી અને પાણીનો ભરાવો થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. આ બેઠક દરમિયાન અધિકારીઓના ઉડાઉ જવાબના કારણે શાસક પક્ષના એક કોર્પોરેટર બેઠક છોડીને જતા રહ્યા હતા. ચોમાસા પહેલા સંકલન બેઠકમાં પ્રિમોન્સુન કામગીરી અંગે અનેક ફરિયાદના ઢગલા કરી દેવામા આવ્યો હોવા છતાં તંત્રની ઊંઘ ઊડી ન હતી. પાલિકાના શાસકો અને વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે તેના કારણે સીધી અસર લોકોને થઈ રહી છે.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)