સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પોલીસ સામે ભ્રષ્ટાચાર કરાતા હોવાનો ગંભીર આરોપ.

સુરત :

પાંચ પોલીસ મથકના અશાંતધારા વિસ્તારોમાં સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં પોલીસ અધિકારીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત તબદિલ કરવા હકારાત્મક અભિગમ

સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારા મિલકત સામે પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર કરાતા હોવાનો ગંભીર આરોપ પોલીસ કમિશનરને સંકલન બેઠકમાં લગાવ્યો હતો. પૂર્વ વિધાનસભામાં આવતા પાંચ પોલીસ મથકના અશાંતધારા વિસ્તારોમાં સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં પોલીસ અધિકારીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત તબદિલ કરવા હકારાત્મક અભિગમ દાખવવામાં આવે છે.
જેને લઇ કલેકટર તેને યોગ્ય માની મિલકત વેચાણ કરાર થઈ જાય છે. અત્યારે કલેક્ટરની આ વાત સાંભળી પોલીસ કમિશનર પણ ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક આદેશ જાહેર કર્યો હતો. જેમાં પોલીસ અને મામલતદાર સાથે જગ્યાનું નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરાશે તો જ માન્ય ગણાશે તે જણાવ્યું હતું.
અરવિંદ રાણાએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં કમિશનર કચેરીએ યોજાયેલી સંકલન મીટીંગમાં અશાંતધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હિન્દુ પરિવારે વિધર્મી પરિવારના નામે મિલકત તબદીલ કરવા માટે પોલીસનો અભિપ્રાયના આધારે કલેક્ટર નિર્ણય લેતા હોય છે. આમા ખુબ મોટો ભ્રષ્ટાચાર આદરી પોલીસ દ્વારા હકારાત્મક અભિપ્રાય અપાતા હોવાના આક્ષેપો કરાયા હતા.

ધારાસભ્યએ કરેલી રજૂઆતમાં તેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં અશાંત ધારા મુદ્દે રજૂ થયેલી અરજીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૨માં ૧૮૬ મિલકતમાંથી ૧૩૨ મિલકતમાં અને વર્ષ ૨૦૨૩માં ૬૪૮ પૈકી ૪૨૮ અને વર્ષ ૨૦૨૪માં ૬૮ મિલકતોમાં પોલીસ દ્વારા મિલકત તબદીલી માટે હકારાત્મક અભિપ્રાય અપાયો હોવાની વાત થતા સંકલન સમિતિમાં હાજર પોલીસ કિમશનર પણ ચોંકી ઉઠયા હતા.

અહેવાલ : અશ્વિન પાંડે (સુરત)