સુરત બન્યું બોગસ ડોક્ટર્સનું હબ! 2 મહિલા સહિત 6 ઝોલા છાપ તબીબો દવાના જથ્થા સાથે દબોચાયા

આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર બિમાર હોવાનું સામે આવી રહ્યું છે. બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સના હબ બનેલા સુરતમાં વધુ છ બોગસ ડોક્ટર ઝડપાયા છે. જેમાં બે મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા આ બોગસ ડોક્ટર પાસેથી દવા સહિત મેડિકલનો સર સામાન પણ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી.

નવાગામ ડિંડોલી વિસ્તારમાં મોટાભાગે શ્રમિક વર્ગ અને પરપ્રાંતિય લોકો રહે છે. ત્યારે તેમની બિમારીના ઈલાજ માટે તેઓ ક્લિનિકમાં જતાં હોય છે. ત્યારે વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતી 2 મહિલા સહિત કુલ 6 બોગસ ડોક્ટર્સને ઝડપી લેવામાં આવ્યાં છે. લોકોની જિંદગી સાથે ચેડાં કરનારા આ બોગસ ડોક્ટરને ક્લિનિકલમાંથી દવા સહિતના મેડિકલના સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. આ તબીબો દર્દીઓને દવા-ઈન્જેક્શનની સાથે સાથે બોટલ પણ ચડાવી આપતાં હતાં.