સુરત બિનહરીફ જીતને પડકારતી હાઇકોર્ટમાં PIL તાકીદની સુનાવણીનો ઇનકાર

સુરત :

લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરવાને પડકારતી જાહેર હિતની અરજીની તાત્કાલિક સુનાવણી કરવાનો હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માઇની ખંડપીઠે મંગળવારે ઇનકાર કરી દીધો હતો. નોંધનીય છે કે, સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેથી સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે

સુરતના ભાવેશભાઇ પટેલ તરફથી એડવોકેટે હાઇકોર્ટને માહિતી આપી

સુરતના ભાવેશભાઇ પટેલ તરફથી એડવોકેટે હાઇકોર્ટને માહિતી આપી હતી કે, અરજદાર સુરતના મતદાર છે અને ચૂંટણી પંચે ચૂંટણી યોજ્યા વિના જ ભાજપના ઉમેદવારને વિજેતા ઉમેદવાર તરીકેનું પ્રમાણપત્ર આપી દીધું છે. મતદારો માટે હંમેશા નોટા, નકારાત્મક મતદાનનો વિકલ્પ હોય છે, જે આ કિસ્સામાં અપાયો નથી. મતદારોને નોટાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવાના નિર્ણયને રદ કરવો જોઇએ.’આ અરજી પર ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે નિર્દેશ કર્યો હતો કે, કાયદા મુજબ કોઈપણ કારણસર કોઈપણ ઉમેદવારની ચૂંટણીના સંદર્ભમાં કોઈ વિવાદ કે તકરાર જણાતી હોય તો તમારે ઇલેક્શન પિટિશન દાખલ કરવી પડે. તમે એ પ્રક્રિયામાં ખામીને હાઇલાઇટ કરી રહ્યાં છો જેના દ્વારા ઉમેદવારને વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે. તેથી, આ દલીલ ઇલેક્શન પિટિશનના અધિકારક્ષેત્રમાં આવે છે. જ્યારે અરજદાર પાસે કોઈ વૈધાનિક ઉપાય હોય ત્યારે PIL હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં.

 

સંવાદદાતા :- અશ્વિન પાંડે