ભાજપના નેતાઓને હાલમાં સત્તાનો નશો ચઢ્યો હોવાના અનેક બનાવો બહાર આવી રહ્યાં છે તેમાં હાલમાં સુરત પાલિકાના શાસક પક્ષ નેતા સુરત બહાર અંગત કારણોથી કાર લઈ ગયાં હતા. તેનો અકસ્માત થતા વિવાદ બહાર આવ્યો છે. સુરતના શાસક પક્ષ નેતાની કાર ઉત્તરપ્રદેશના અલ્હાબાદ પહોંચી હતી અને ત્યાં અકસ્માત થયો હતો. આ કાર પાલિકાના કોઈ પણ કામ વિના ખાનગી કામ માટે નેતા લઈ ગયાં હતા. અલ્હાબાદ ખાતે અકસ્માત થયો છે. તો તેનો ખર્ચ પાલિકા ભોગવશે કે પછી ખાનગી કામ માટે ગાડી લઈ જનારા નેતા ભોગવશે ? તે ચર્ચા સાથે નેતાઓનો સુરત બહાર ગાડી લઈ જવાનો વિવાદ બહાર આવ્યો છે.
સુરત પાલિકાના પદાધિકારીઓને પાલિકા દ્વારા ઈનોવા કારની ફાળવણી કરવામાં આવે છે. આ કારનો ઉપયોગ શહેર પુરતો જ મર્યાદિત હોય છે. આમ છતાં પદાધિકારીઓ સરકારી ગાડીને પોતાના વતન કે અન્ય પ્રસંગોમાં સુરત બહાર લઈ વટ મારતા હોવાની વાત આમ થઈ ગઈ છે. ભૂતકાળમાં અનેક નેતાઓ સૌરાષ્ટ્ર કે ગુજરાત બહાર પાલિકાએ ફાળવેલી કાર લઈને પ્રવાસે જઈ આવ્યા છે. અને તેના માટે નક્કી કરેલું ડિઝલનો ખર્ચ નેતાએ ચુકવવાની હોય છે તે ચૂકવી દેતા હોય છે. પરંતુ ઓછા ખર્ચમાં નેતાઓ સુરત બહાર નેતાઓની ગાડી લઈ જઈને વટ મારી દેતા હોય છે.