
લિંબાયત, સુરત
સુરત મહાનગરપાલિકા ફરી એક વખત તેના બેદરકાર વહીવટ અને રાજકીય દબાણ વચ્ચે આવતી જોવા મળી છે. લિંબાયત ઝોનમાં આવેલી ટી.પી. સ્કીમ નંબર ૩૪ (ડુંભાલ – મગોબ), ફાયનલ પ્લોટ નંબર ૫૬ (ફ્રુટ માર્કેટ પાસે) પર પે & પાર્કનો ઈજારો તય કરવામાં વિલંબ થતા, છેલ્લા ચાર મહિનાથી રોજે રોજ થતી રૂ. ૧૫,૦૦૦ની આવક બંધ થઇ ગઈ છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાની તિજોરીને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું આર્થિક નુકશાન થઈ ચૂક્યું છે.
સત્તાવાર સૂત્રો મુજબ, પ્લોટ માટે અગાઉ રૂ. ૭૨ લાખની ઓફર સામે એક ક્વોલિફાઇડ ઈજારદારે રૂ. ૧.૧૨ કરોડ + GST ની વાર્ષિક ઓફર આપી હતી. ટેક્નિકલ બિડમાં ક્વોલિફાય્ડ થયાવાદ પણ આજે સાત મહિના વીતવા છતાં મનપાએ કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.
ફ્રુટ વેચાણ અને દબાણખાતા દ્વારા રોજની આવક
આ વિલંબ વચ્ચે, નક્કી કરાયેલ પે એન્ડ પાર્ક સ્થળ પાર્કિંગ માટે ખુલ્લું મુકી દેવાયું હતું. જોકે, નજીકમાં આવેલા ફ્રુટ માર્કેટને કારણે અહીં ટ્રક અને ઠેલાંવાળા વેપારીઓએ સ્થાન પર ફળફળિયા વેચવાનું શરૂ કરી દીધું. મનપાના દબાણ ખાતા દ્વારા છેલ્લા ચાર મહિનાથી આ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ તરીકે દરરોજ રૂ. ૧૫,૦૦૦ વસુલવામાં આવતા, જે તિજોરીમાં જમા થતા. પરંતુ અચાનક આ વસુલાત બંધ કરવામાં આવી.
દિવાલ બાંધવાનું શરૂ: હવે ટ્રાફિક સમસ્યા વધશે?
હાલમાં પાલિકા દ્વારા આ પ્લોટ પર દિવાલ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી ના તો પે & પાર્ક કાર્યરત રહેશે, ના તો વહીવટી આવક જમાશે. ઉલટું, આ વિસ્તારમાં ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનો માટે આ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા રહેતી, જેને હવે અવરોધ મળશે અને ટ્રાફિક સમસ્યા વધુ વકરશે.
હવે જવાબદાર કોણ?
આ સમગ્ર બાબતમાં કોંગ્રેસ અને સ્થાનિક કાર્યકરો દ્વારા પોલીસ અને મનપા તંત્રના નિર્ણય સામે સવાલ ઉઠાવાયા છે કે –
- ટેકનિકલી ક્વોલિફાઇડ ઈજારદારને કારણે મળનારી રૂ. ૧.૧૨ કરોડની આવક થકી શહેરને લાભ થવો હતો, તે અટકી કેમ?
- રાજકીય દબાણમાં આવક ન થવા દેવી એ જનહિત વિરુદ્ધ છે કે નહિ?
- આજદિન સુધી થતી રોજિંદી રૂ. ૧૫,૦૦૦ની આવક બંધ કરવી એ કોની જવાબદારી હેઠળ થયેલું નુકશાન છે?
નિષ્કર્ષ:
સવાલો અનેક છે, જવાબ એકપણ નહી. આ કેસ હવે માત્ર વહીવટ નહીં પણ પાર્દર્શક તંત્ર અને જવાબદારીના પ્રશ્ન તરીકે સામે આવ્યો છે. જો સુમનપા તાકીદે યોગ્ય નિર્ણય નહીં લે, તો માત્ર આર્થિક નહીં, ટ્રાફિક અને વ્યવસ્થાપન માટે પણ શહેરને ભારે કિંમંત ચુકવવી પડી શકે છે.