સુરત :
સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતાં. જેમાં પક્ષપલ્ટુ કોર્પોરેટરો કનુ ગેડીયા અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપો કર્યા હતાં. સભાની સાથે મીડિયામાં પણ બન્ને નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા બદનક્ષીનો કોર્ટ કેસ કરવામાં આવ્યો છે.
પક્ષ પલટો કરનાર કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરાયા હતા
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કહ્યું કે, પુણા વિસ્તારમાં કોટેજ ઇંડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર બંધકામો અને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસીપલ કમિશનર તથા સબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું. જેના ભાગ રૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. ત્યારબાદ સભામાં પક્ષપલ્ટો કરેલા મ્યુ.સભ્યો અશોક ધામી તથા કનુ ગેડીયાએ લાંચ, ભ્રષ્ટાચાર તેમજ તોડપાણીના ગંદા, અવાસ્તવિક તથા બિનપાયેદાર આક્ષેપો કરીને બદનક્ષી કરી હતી.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)