સુરત મહિલા ભાજપ નેતા આપઘાત, કોર્પોરેટર ચિરાગે નિવેદનમાં દિપીકા સાથે સંબંધ હોવાની સાથે કર્યા ઘટસ્ફોટ

સુરતના અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા નેતા દિપીકા નરેશ પટેલના આપઘાતનું કોકડું રોજે રોજ વધુ ગૂંચવાઈ રહ્યું છે. રોજે રોજ નવા નવા ફણગાં ફૂટી રહ્યાં છે. દિપીકા પટેલના આપઘાતના દિવસથી શંકા ના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની બીજીવાર અઢી કલાક પૂછપરછ કરાઈ હતી. જેમાં પણ દિપીકા પટેલના આપઘાતનું કારણ સામે આવ્યું હોય એવું લાગી રહ્યું નથી. જોકે, હજુ પણ દિપીકા પટેલના આપઘાતના કારણને લઈને રહસ્ય જ સર્જાયેલું છે. આ આખા કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકા ઉપજાવતી હોય એવી શક્યતા પણ રહેલી છે.

કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વીડિયોગ્રાફી સાથે તમામ પૂછપરછ કરાઈ હતી. પોલીસના સવાલોના જવાબોમાં ચિરાગે દિપીકા સાથેના સંબંધમાં જણાવ્યું હતું કે, તે તેની માનેલી બહેન હતી. તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા. જ્યારે દિપીકાએ આપઘાત અંગે કરેલા કોલ વિશે ચિરાગને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, દિપીકાના પરિવાર સાથે તેનો પારિવારિક સંબંધ હતો અને તે રોજ દિપીકા અને તેના પતિ સાથે કોલ પર વાતચીત કરતો હતો. જેથી રોજ કોલ કરવામાં આવતા હતા. દિપીકાએ આપઘાતના દિવસે પણ 15 જેટલા કોલ કર્યા હતા.ચિરાગે વધુમાં જણાવ્યું હતું કે, દિપીકા હિંમતવાન, પાવરફુલ, ઈમોશનલ અને કોઈ વાતનું માઠું ઝડપથી લાગી જવું અને ગુસ્સાવાળી હતી. તે દિવસે પણ તેને કોઈ વાતનું માઠું લાગી આવ્યું હોવાની શક્યતા છે. ત્યારબાદ જ તેણે આટલું આકરું પગલું ભરી લીધું હોવાની શક્યતા છે. દિપીકાએ જ્યારે સ્ટ્રેસમાં હોવાનું અને આપઘાત કરવાનું જણાવ્યું એટલે તુરંત દોડીને તેના ઘરે પહોંચી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.