સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ વધુ એક દર્દી માટે દેવદૂત બની
EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં
સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી
દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮ કરોડના ઈન્જેકશનો વિનામૂલ્યે અપાયા
સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. ૪૧ વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે.
ઓપરેશન પહેલા, દરમિયાન અને બાદમાં રૂા.૧.૨૮ કરોડના ઈન્જેકશનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોકટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યકત કરી હતી. લાલુભાઈએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલીયાની ગાંઠ થઈ હતી. નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં બતાવ્યું. પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં એક કરોડથી વધુનો માતબર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ન ઝાલ્યો. સુરતની હિમોફિલીયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે, સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે. જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું. અહીના ડોકટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી. કોઈ પણ ચાર્જ વિના મારૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોકટરો અને રાજય સરકારનો આભાર માન્યો હતો.