સુરત શહેરમાં આજે શહેર પોલીસની પ્રશંસનીય અને સમયસૂચક કામગીરી સામે આવી છે. સુરતના સૂર્યાપૂર વિસ્તારમાં આવેલા ગરનાળામાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ જતા એ વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના 13 કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા સુરત શહેર પોલીસની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગની સહાયથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ગરનાળાની આસપાસ ભારે પાણી ભરાવના કારણે મહિલા અને પુરુષ કર્મચારીઓને બહાર લાવવી પડકારરૂપ બની હતી, છતાં પોલીસ અને ફાયર વિભાગે બહાદુરી અને સમયસૂચકતા દાખવી સમગ્ર ટીમના સહયોગથી તમામ 13 કર્મચારીઓને સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
શહેર પોલીસની ઝડપભરી કામગીરીના કારણે કોઈ પણ જાતની જાનહાનિ ટળી હતી. સુરત શહેર પોલીસના આ કાર્યની લોકોએ પ્રશંસા કરી છે. તંત્ર દ્વારા પણ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ ઘટના ફરી એકવાર પુરવાર કરે છે કે સુરત શહેર પોલીસ નાગરિકોની સુરક્ષા માટે હંમેશા સજ્જ અને તત્પર છે.
અહેવાલ : – બ્યુરો રિપોર્ટ