સુરત VNSGUમાં પરિક્ષા વિવાદ: સમય કરતા પહેલા પેપર લેવાતા 700 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, કોલેજ પર એક લાખનો દંડ!

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) પરીક્ષા વ્યવસ્થાની પ્રાણ પ્રતિષ્ઠા ફરી એક વખત ચકનાચૂર થઈ છે. કોલેજ સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે યુનિવર્સિટી હવે સામે આવી પડેલી પરિસ્થિતિને સમાવવા મજબૂર બની છે.

મામલો કિમ ખાતે આવેલી વિદ્યાદીપ સાયન્સ કોલેજનો છે, જ્યાં B.Sc. સેમેસ્ટર 6 ના ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી વિષયની પરીક્ષા 2 એપ્રિલે યોજાવાની હતી. પરંતુ કોલેજે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં આ પરીક્ષા 27 માર્ચે જ લઈ નાખી હતી, જેના કારણે પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ.

વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સના આક્ષેપો બાદ યુનિવર્સિટીએ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે નિર્ણય લીધો છે કે 700 વિદ્યાર્થીઓ માટે 19 એપ્રિલે ફરી પરીક્ષા લેવામાં આવશે. તેમજ કિમની વિદ્યાદીપ કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરી, તેને નિકટવર્તી કોસંબા સાયન્સ કોલેજમાં ફેરવવામાં આવ્યું છે.

કુલપતિ છ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. કોલેજે ગંભીર બેદરકારી દાખવતાં તેમના પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

આ ઘટના ફરી એ જ પ્રશ્ન ઉભો કરે છે કે શું VNSGUના પરીક્ષા વિભાગમાં વ્યવસ્થાગત ખામીઓ છે? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ કરતી આવી ઘટનાઓ પર હવે સતત સાવચેત રહેવાની ફરજ યુનિવર્સિટીને રહેશે.

કિશોરસિંહ ચાવડા (કુલપતિ, VNSGU)
“વિદ્યાર્થીઓના હિતને અનુરૂપ અમે તાત્કાલિક નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.”

સુરત, JK24x7 News