પ્રભાસ પાટણ ખાતે આવેલ પ્રાચીન સોમનાથ મહાદેવના સાનિધ્યે લાડી લોહાણા સિંધી પંચાયત – સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારિણી બેઠકનું આયોજન રવિવારે કરવામાં આવ્યું.
સવારના 10 વાગ્યે ખાનગી હોટલમાં યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો સહિત સૌરાષ્ટ્રના અનેક અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠકની શરૂઆતમાં આગમન કરનાર મહેમાનોનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન સમાજમાંથી જૂના કુરિવાજો દૂર કરવા અને સમાજને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને આગામી પેઢીને શિક્ષણ આપવાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ભવિષ્યમાં શિક્ષણ માટે વધુ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા સહમતિ દર્શાવવામાં આવી.
અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી પંચાયતના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ સુખવાણી (કાળુભાઈ), સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ જગદીશભાઈ મગનાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પપ્પુભાઈ સોમજાણી, સચિવ દિલીપભાઈ જોબનપુત્રા, એજ્યુકેશન ચેરમેન સુરેશભાઈ ચાંદવાણી સહિતના હોદ્દેદારોએ પોતાના વિચારો રજૂ કર્યા.
આ બેઠક સમાજ માટે એક મહત્વપૂર્ણ મંચ બની રહી હતી જ્યાં સમાજના ભવિષ્યને લઈને વિચારોની પરિષ્કૃત દિશા આપવામાં આવી.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ