આ વર્ષે શ્રાવણ માસ (૨૫ જુલાઈથી ૨૩ ઓગસ્ટ ૨૦૨૫) સોમનાથ મહાદેવના તીર્થધામ માટે ઐતિહાસિક સાબિત થયો. લાખો શ્રદ્ધાળુઓના દર્શન, નવી સેવાઓ, યાત્રિક સુવિધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ શ્રાવણ અવિસ્મરણીય બની રહ્યો.
ભક્તોની અભૂતપૂર્વ સંખ્યા
૩૦ દિવસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.
વિશ્વના 50થી વધુ દેશોમાં વસતા 18.32 કરોડ ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો.
ખાસ કરીને શ્રાવણનાં સોમવારો, પૂનમ, માસિક શિવરાત્રી અને જન્માષ્ટમીનાં દિવસે ભક્તોની સૌથી વધુ ભીડ ઉમટી. માત્ર જન્માષ્ટમીનાં દિવસે જ 1.73 લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા.
વિશેષ સેવાઓ અને યાત્રિક સુવિધાઓ
20,000થી વધુ સિનિયર સિટીઝન અને દિવ્યાંગોને ટ્રસ્ટ દ્વારા ખાસ રિચઆઉટ પ્રોગ્રામ હેઠળ કતાર વિના દર્શન કરાવવામાં આવ્યા.
ગોલ્ફ કાર્ટ, વ્હીલચેર અને અટેન્ડી જેવી સુવિધાઓનો વ્યાપક ઉપયોગ થયો.
“દિવ્યાંગના નાથ સોમનાથ” સૂત્ર સાથે સામાજિક સંસ્થાઓ સાથે મળીને ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી.
પૂજાકાર્યોમાં નવા રેકોર્ડ
શ્રાવણ માસ દરમિયાન 800થી વધુ ધ્વજા રોહણ, 1200 મહાપૂજન, અને 9797 રૂદ્રાભિષેક પાઠ યોજાયા.
યજ્ઞશાળા ખાતે સતત ચાલતા મહામૃત્યુજય યજ્ઞમાં 2.75 લાખથી વધુ આહુતિઓ અર્પણ થઈ.
હજારો પરિવારો યજ્ઞમાં જોડાયા અને શ્રદ્ધાભાવથી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.
પ્રસાદ અને ભોજન વ્યવસ્થા
ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં 1.75 લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ આરોગ્યો.
ઉપરાંત અનેક સંસ્થાઓ અને ભક્તોએ હજારો યાત્રિકોને ફલાહાર સેવા આપી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે “પોષણ પ્રસાદ અભિયાન”નો પ્રારંભ થયો, જેમાં આવતા એક વર્ષ દરમિયાન જિલ્લામાં 28 ટન (7 લાખ લાડુ) પોષણક્ષમ પ્રસાદ આંગણવાડી બાળકો સુધી પહોંચાડવામાં આવશે. અંદાજિત ખર્ચ: રૂ. 1 કરોડ.
સાંસ્કૃતિક પુનર્જાગરણ
“વંદે સોમનાથ કલા મહોત્સવ” અંતર્ગત સદીઓ જૂની નૃત્ય-આરાધના પરંપરાનું પુનઃસજીવન કરાયું.
ઇતિહાસમાં જેમ હજારો નૃત્યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે દિવ્યતાનો સ્વાદ આ કાર્યક્રમમાં ભક્તોએ ફરી અનુભવ્યો.
ભારતીય સંસ્કૃતિ અને ગૌરવના પુનઃસ્થાપક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ સોમનાથ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ગૌરવનું કેન્દ્ર બની રહ્યું છે.
સોશિયલ મીડિયા મારફતે સોમનાથનો વિશ્વવ્યાપી પ્રસાર
45થી વધુ દેશોમાં ભક્તોએ સોશિયલ મીડિયા દ્વારા સોમનાથ મહાદેવના નિત્યદર્શન, આરતી, પુજન-અર્ચન અને જીવંત પ્રસારણનો લાભ લીધો.
દર્શનનાં વિશેષ મહાત્મ્ય સમજાવતા વિડિઓઝને પણ ભક્તોએ વિશેષ પ્રતિસાદ આપ્યો.
મહાનુભાવોના આગમન
શ્રાવણ માસ દરમ્યાન અનેક મહાનુભાવો સોમનાથ મહાદેવના દર્શન માટે પધાર્યા હતા, જેમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, લદ્દાખના રાજ્યપાલ કવિન્દર ગુપ્તા, વનપ્રવાસન મંત્રી મુલુભાઈ બેરા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ઉપમુખ्यमंत्री નીતિનભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, તેમજ ICC ચેરમેન જયશાહ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટની વ્યવસ્થા
માન. ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને માન. સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈની આગેવાની હેઠળ અધિકારી-કર્મચારીઓએ શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, પાર્કિંગ, યાત્રિક સુવિધા, પ્રસાદ વિતરણ અને સુરક્ષા વ્યવસ્થાનો સુંદર સંકલન કર્યું.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ