સોમનાથ ખાતે 29 અને 30 જૂને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાશે.

સોમનાથ

જ્યારે જીવનમાં વ્યક્તિ સંઘર્ષનો સામનો કરે છે ત્યારે તેની સૌથી મોટી આશા ઈશ્વર પર હોય છે. અને એ ઈશ્વર તેને દરેક સમસ્યામાંથી ઉગારી લેશે તેઓ વ્યક્તિને દ્રઢ વિશ્વાસ હોય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ આ જ વિચારધારા સાથે દર્દીઓ નું બેલી બન્યું છે. દરેક મહિનાની પહેલી તારીખે આરોગ્ય કેમ્પ તો યોજવામાં આવે જ છે પરંતુ તેનાથી એક કદમ આગળ વધીને પ્રથમ વખત દર્દીઓને આંખના તમામ રોગોથી ઉગારવા સોમનાથ ટ્રસ્ટ મેગા નેત્ર નિદાન કેમ્પ અને સારવારની સર્વાંગી વ્યવસ્થા લઈ ને તારીખ 29 અને 30 જુનના રોજ જન સેવાના મહાયજ્ઞ સમાન મેગા નેત્ર નિદાન કેમ્પ યોજવા જઈ રહ્યું છે

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને અમદાવાદ અસારવા ખાતેની પ્રસિદ્ધ એમ.એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી દ્વારા તા. 29 અને 30 જૂન, 2024ના રોજ સોમનાથ ખાતે મફત મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે,આ કેમ્પનો લાભ લઈને લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિશુલ્ક કરાવી શકશે. કેમ્પમાં આંખોના મોતિયા, ઝામર, આંખના ટ્યુમર, ત્રાસી આંખ, કીકી ને લગતા રોગો, આંખના પડદાને લગતા રોગો સહિતના તમામ રોગોની નિષ્ણાંત ડોકટરો દ્વારા અદ્યતન સાધનો દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ઓપરેશન પણ તદ્દન નિશુલ્ક કરી આપવામાં આવશે. ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલ સુધી જવા-આવવાનું બસ ભાડું પણ દર્દી અને તેની સાથેના એક વ્યક્તિ એમ બે વ્યક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.

આ મેગા કેમ્પ તારીખ: 29 અને 30 જૂન, 2024 ના રોજ સવારે 9 થી 1 અને બપોરે 3 થી 6 સુધી સોમનાથ ખાતે સ્વસ્તિક પ્લાઝા કોમ્પ્લેક્ષ, પ્રથમ માળે, શ્રી લીલાવતી ભવનની સામે યોજાશે. આ કેમ્પનો લાભ લેવા માટે આગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી માટે શ્રીમતિ વિરાજબેન પ્રચ્છક- 94262 87639 અને ડો. દેવસી વાજા- 94282 14999 નો સંપર્ક કરી ટેલીફોનીક રીતે જ નોંધણી કરાવી શકાશે. તેમજ શ્રી સોમનાથ મંદિર માં પણ ટેમ્પલ ઓફિસ ખાતે રૂબરૂ આવીને કેમ્પનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)