સોમનાથ ગીર ના જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આજે વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં ઘણાં સમયથી પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેરાવળ નગરને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા માટે રેલવે ફાટક પર બનતા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ બંને તરફ સર્વિસ રોડ બને અને લોકોના આવાગમન માટે બંધ રહેલ ફાટક સત્વરે ખુલી જાય તે માટેની કામગીરી ઝડપથી કરવાં માટે આજે મળેલ બેઠકમાં કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, વેરાવળ નગરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ છેલ્લા થોડા સમયમાં નગરપાલિકાના ૧૧ માંથી ૯ વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઈને રાત્રિ સભા કરી હતી.

કલેક્ટરશ્રીએ આ રાત્રી સભામાં નાગરિકોના પ્રશ્નો- સમસ્યાઓ સાંભળીને તેને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો. કલેક્ટરશ્રીના આ પ્રયત્નને લોકોએ વધાવી દીધો હતો. અગાઉના વર્ષોમાં જી.યુ.ડી.સી. દ્વારા ભૂગર્ભ ડ્રેનેજ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં મિસિંગ લિંક સહિતની અધૂરી બાબતો પરત્વે લોકોની ફરિયાદ અન્વયેના કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. ભૂગર્ભ ડ્રેનેજ યોજનાના ત્રીજા તબક્કામાં મંજૂર થયેલ વેરાવળ-પાટણ ગામતળના કામો આગામી વર્ષાઋતુ પહેલાં પૂર્ણ કરવાં માટે કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.

આ ઉપરાંત, મંજૂર થયેલ સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ઝડપથી ચાલુ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય ઇજનેર અને જનરલ મેનેજર ટેક.GUDC ગાંધીનગરના શ્રી એન.એલ.પટેલ, GUDC ગાંધીનગરના વાઇસ પ્રેસિડન્ટ શ્રી પી.એ. પટેલ, GUDC, પી.આઈ.યુ., ભાવનગરના પ્રોજેક્ટ મેનેજર શ્રી ગોવિંદ આર. પટેલ, GUDCના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી ધીરજ રાઠોડ, વેરાવળ-પાટણ નગરપાલિકાનઃ ચીફ ઓફિસર શ્રી ચેતન ડૂડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)