સોમનાથ, 31 માર્ચ 2025: પ્રભાસ ક્ષેત્ર, જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે, એજ પાવન ભૂમિ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી પર થી સ્વધામ માટે પર્વતા લઈ ગયા હતા. ગોલોક ધામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી ધમધમાઈ રહી હતી.
પ્રસંગની શરૂઆત સૂર્યોદયના વધામણા સાથે કરવામાં આવી, જેમાં નવા વર્ષના સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે, સંસ્કાર ભારતી ગુજરાતના પ્રતિભાશાળી કલાકારો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર કરવામાં આવ્યો.
ગોલોકધામ ખાતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌમાતાનું પુજન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
બીજી બાજુ, બપોરે 2 કલાક 27 મીનીટ અને 30 સેકન્ડના સમયે, જે ક્ષણે શ્રી કૃષ્ણ પૃથ્વીથી સ્વધામ માટે ગમ્યા હતા, તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની ચરણપાદુકાનું પુજન કરવામાં આવ્યું, સાથે શંખનાદ અને જયઘોષ પણ કરવામાં આવ્યા. આ ક્ષણે વાતાવરણ શ્રી કૃષ્ણના હરિ નામ રટણમાં લીન થઇ ગયું.
આ અવસરે, ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા. યજમાન વેજાણંદભાઈ વાળા પરિવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
સાંજના સમયે, ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની મહા આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી, જનરલ મેનેજર, યજ્ઞ યજમાન વેજાણંદભાઈ વાળા પરિવાર, ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા.
પ્રસંગના અંતે, ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર ભજન, ભોજન અને ભક્તિ સાથે આ પવિત્ર કાર્યક્રમને વિરામ અપાયો.
અહેવાલ: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ, જૂનાગઢ