સોમનાથ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવ ને કેરીનો મનોરથ કરવામાં આવે છે. જે મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદ માં આપવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓ માં પહોંચાડવામાં આવી હતી. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી પર હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી.
સોમનાથ મહાદેવને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો થી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સમાજિક જવાબદારીમાં મોખરે રહેનાર હોય. ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓ ને પોષણક્ષમ આહાર અને મહાદેવ ના આશીર્વાદ સ્વરૂપે મળે તેવા શુભ આશયથી આ કેરીઓનું વિતરણ ICDS ના માધ્યમે આંગણવાડીઓમાં કર્યું હતું.
ICDS એટલેકે જિલ્લાના “સંકલિત બાળ વિકાસ સેવાઓ” વિભાગ સાથે સંકલન કરીને વેરાવળ ઘટકની તમામ આંગણવાડી ના 9700 જેટલા બાળકો સુધી સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે કેસર કેરી પહોંચાડવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ ICDS ના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ કેરીઓ ઘટક સુધી પહોંચાડી હતી. જ્યાંથી આંગણવાડીઓમાં કેરીનોનું વિતરણ કરી પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો.
આંગણવાડી કાર્યકર બેહનોએ વ્યવસ્થિત સુધારીને પ્રસાદની કેરીઓ ડિશમાં બાળકોને આરોગવા માટે આપવામાં આવી હતી. ત્યારે નાના ભૂલકાઓ ફળો નો રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ માનવામાં મુગ્ધ થયા હતા. કેરી ખાતા બાળકોની આંખોમાં નિર્દોષ આનંદ અને પ્રસાદ આપનાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સાચા અર્થમાં બાળકમાં ભગવાનનો વાસ છે. તે વાક્ય ની સાક્ષાત અનુભૂતિ કરાવી રહ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે જે દિશામાં સોમનાથ ટ્રસ્ટ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરત છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ચીકી વિતરણ, સમયાંતરે ફળોનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે પણ મહાદેવને મોટી માત્રામાં કેરી જેવા ફળોનો મનોરથ કરવામાં આવે છે ત્યારે આંગણવાડીઓમાં તેનું વિતરણ કરી બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર રહ્યું છે.
અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)