સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીઓની સુવિધામાં ઉમેરો — કલેકટર એન.વી. ઉપાધ્યાય દ્વારા ગોલ્ફકાર્ટનું લોકાર્પણ.

પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનો ઉમટતો પ્રવાહ જોવા મળ્યો હતો. વિશેષ કરીને શ્રાવણ માસમાં દેશભરથી લાખો ભાવિકો દર્શન માટે સોમનાથમાં ઉમટતા હોય છે, ત્યારે તેમની સુવિધા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

આજના પવિત્ર અવસરે યાત્રાળુઓની સુવિધા માટે વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સોમનાથ મહાદેવના પ્રાંગણમાં ગોલ્ફકાર્ટ સેવા શરૂ કરવામાં આવી છે. આ ગોલ્ફકાર્ટનું લોકાર્પણ જિલ્લામાંના કલેકટર એન.વી. ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ પ્રસંગે કલેકટર એન.વી. ઉપાધ્યાયે ગોલ્ફકાર્ટને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. આ ગોલ્ફકાર્ટમાં ડ્રાઈવરની સુવિધા ઈન્ડીયન રેયોન કંપની દ્વારા પૂરી પાડવામાં આવી છે, જે આ સેવા માટે તેમનો યોગદાન આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગ યાત્રાળુઓ પણ સોમનાથ મહાદેવના દર્શને પધારે છે. આવા ભક્તો માટે ગોલ્ફકાર્ટ વિશેષરૂપે ઉપયોગી સાબિત થશે અને તેમના દર્શન વધુ આરામદાયક બનશે.

લોકાર્પણ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અંબુજાના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર સંજય વશિષ્ઠ, ઈન્ડિયન રેયોનના વાઈસ પ્રેસિડેન્ટ કૃષ્ણા ગનેરીવાલ, લાઈઝનિંગ હેડ લક્ષેસ ગોસ્વામી સહિત વહીવટી તંત્રના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ