સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગણેશ ચતુર્થી ઉજવણી, કપર્દી વિનાયકનું પૂજન અને મહાદેવને વિશેષ “શ્રીગણેશ દર્શન” શ્રૃંગાર.

સોમનાથ તા. 27/08 : ભાદ્ર માસની શુક્લ ચતુર્થી એટલે કે શ્રી ગણેશ ચતુર્થીના પાવન દિવસે સોમનાથ તીર્થમાં ભગવાન મહાદેવના સાંનિધ્યમાં તેમના પ્રિય પુત્ર શ્રી ગણેશનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.

સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત કપર્દી વિનાયક ગણેશજીનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજન કરવામાં આવ્યું. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સજોડે ટ્રસ્ટ પરિવાર સાથે અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા ગણેશજી પાસે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી.

આ અવસરે સોમનાથ મહાદેવને વિશેષ “શ્રીગણેશ દર્શન” શ્રૃંગાર કરાયો હતો. જ્યોતિર્લિંગ પર ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરી વિવિધ પુષ્પો, ચંદન અને સુગંધિત દ્રવ્યો વડે મહાદેવને આભૂષિત કરવામાં આવ્યા હતા.

તે કારણે આ વર્ષે ગણેશ ચતુર્થી પર ભાવિકોને એક અનોખો લાભ મળ્યો — એક સાથે જ સોમનાથ જ્યોતિર્લિંગ તથા ગણેશજીના દર્શન.

વિશેષ દર્શનથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ સર્જાયો હતો.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ