સોમનાથ
શ્રી સોમનાથ ટ્રસ્ટ અને વનવિભાગ, ગીર સોમનાથ દ્વારા સંયુક્ત ઉપક્રમે સોમનાથના પ્રસિદ્ધ મારુતિ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. માતા પ્રકૃતિની સેવાના આ ઉમંગ અને સમર્પણભર્યા કાર્યમાં National Service Scheme (NSS) ના સ્વયંસેવક વિદ્યાર્થીઓ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ જોડાયા હતા, સૌએ સાથે મળીને બીચના દરેક ખૂણે થી નાનામાં નાનો કચરો દૂર કર્યો હતો જે એક સાર્વજનિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.
આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ દરિયાકિનારે યાત્રીઓ અને પ્રવાસીઓ દ્વારા છૂટેલા કચરાને એકઠો કરીને દરિયાકિનારા તથા તેની આસપાસની પ્રકૃતિને નિર્મળ બનાવવા માટે હતો. આ અભિયાન દરમિયાન 350 કિલો થી વધુ કચરો, જેમાં પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો, ખાદ્યપદાર્થોના પેકેટ, સહિતનો કચરો એકઠો કરવામાં આવ્યો.
આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનેલન મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દરિયાકિનારાની સ્વચ્છતા પર્યાવરણની રક્ષા માટે તો મહત્વપૂર્ણ છે જ, પણ સાથે-સાથે તે લોકોના આરોગ્ય માટે અને યાત્રાધામ અને પ્રવાસન સ્થળની આકર્ષણ ક્ષમતા જાળવી રાખવા માટે પણ અનિવાર્ય છે. ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટ પ્રતિવર્ષ મોટી માત્રામાં કચરો પર્યાવરણમાંથી દૂર કરી રહ્યું છે. ત્યારે વનવિભાગ સાથેના ટ્રસ્ટના આ અભિયાનથી સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વધુ યાત્રાળુઓને આ પહેલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
દરિયાકિનારા અને અન્ય સ્થાનોને સ્વચ્છ રાખવા એ દરેક નાગરિકની સહયારી જવાબદારી છે. આ અભિયાન દ્વારા નાગરિકો અને યાત્રાળુઓને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)