શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ પીતાંબર માંથી બનેલ ઝભ્ભા અને માતા પાર્વતીને શ્રૃંગાર કરાયેલ સાડીઓ મળી 10,600 જેટલા પવિત્ર વસ્ત્રો નું તમામ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રીસોમનાથ ટ્રસ્ટ ભક્તોને ઉત્તમ દર્શન અનુભવ આપવાની સાથે-સાથે માનવતા ની પૂજા પણ કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ વસ્ત્ર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓને વસ્ત્ર પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને અંત્યોદય સેવા નું કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધી માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના ભાવનગર, મોરબી, બરોડા, પોરબંદર,જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, ખેડા, બોટાદ, મહીસાગર, નર્મદા સિધ્ધપુર પાટણ અમરેલી અરવલ્લી,મહેસાણા, ડાંગ બનાસકાંઠા, સાબરકાંઠા, જુનાગઢ, ભરૂચ, નવસારી અને પંચમહાલ મળી કુલ 22 જિલ્લા ઓમાં 7748 વસ્ત્રો, ચીકી અને લાડુ પ્રસાદ સહિત કુલ 14915 વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને તેમના સહયોગ થી આ માનવતા સભર વસ્ત્ર પ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ કાર્તિક માસની માસિક શિવરાત્રી પર રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર, પંચમહા, દાહોદ,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,તાપી,ડાંગ 14 જિલ્લામાં આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં શ્રીસોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને અધિકારીશ્રી ઓનો સંપર્ક કરીને તેઓને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યા હતા. જેને આજરોજ કાર્તિક વદ તેરસ એટલેકે માસિક શિવરાત્રી પર જિલ્લાના શીર્ષ અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા સોમનાથના વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એક સાથે એક જ સમયે ઓનલાઇન માધ્યમથી તમામ જિલ્લાઓના તાલુકાઓને શ્રી સોમનાથ મંદિર સાથે જોડવામાં આવ્યા હતા. આ અવસરે સોમનાથ મંદિરેથી ટ્રસ્ટના માન.ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર, માન.સચિવશ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, ઈન.જનરલ મેનેજર અજય દુબે જોડાયા હતા.
આ પુનિત અવસરે ઓનલાઇન માધ્યમથી ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી પી કે લહેરી, તેમજ વિશ્વ જાગૃતિ મિશનના પ્રણેતા કથાકાર શ્રી સુધાંશુ મહારાજ પણ જોડાયા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટના વસ્ત્ર પ્રસાદ વિતરણ પ્રકલ્પને અભીવાદિત કરતા શ્રી સુધાંશુ મહારાજે જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટના કાર્યો અને જન સેવાના તેના પ્રકલ્પો ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરમચેતના સ્વરૂપે અતિ દિવ્ય અને અનુકર્ણીય છે. સુધાંશુ મહારાજે સોમનાથના પ્રસાદ પ્રકલ્પથી પોતે પણ પ્રેરિત થઈ આ પ્રકારનો પ્રકલ્પ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી.”
શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારની સંવેદનશીલતા આ વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાઈને તમામ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)