
રાજયના ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્રારા પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા ફુલ-૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ-૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો તેમના ટેકેદારો-ઉમેદવારો દ્વારા ચોપાનીયા, ભીંતપત્રો વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે.
આ ચૂંટણી પ્રચારના સાહિત્યના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આચાર સહિતાનું પાલન થાય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંત પત્રો વગેરે ના મુદ્રણ અને પ્રકાશન બાબતે નિયમન કરવું જરૂરી જણાય છે.આથી અનિલ રાણાવસિયા આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ દ્રારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સતાની રૂએ ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રી વગેરે ના મુદ્રણ અને પ્રકાશન માટે નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરૂ છું.
કોઈપણ વ્યકિત જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના સ્પષ્ટ દેખાય આવે તે રીતે નામ-સરનામાં ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહી. કોઈપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રક ને આપી હોય અને,લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસની અદર છાપકામ કરેલ લખાણની ચાર નકલો પ્રકાશકના એકરારની એક નકલ તથા મુદ્રકે છાપકામ કરેલ દસ્તાવેજોની નકલોની સંખ્યા અને મુદ્રક કામ અંગે થયેલ ખર્ચની વિગતો નમુના-૫ ની એક નકલ નીચે જણાવેલ વિગતે મોકલી હોય(৭) રાજયના પાટનગરમાં છાપવામાં આવ્યુ હોય ત્યારે રાજય ચુંટણી આયોગ અને(२) બીજે પ્રસંગે જે જિલ્લામાં છાપવામાં આવ્યુ હોય તે જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટને(૩) આ હેતુ પુરતુ,(ક) હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણારો અને ‘મુદ્રક’ એ શબ્દનો તે પ્રમાણે અર્થ થશે અને(ખ) ‘ચૂંટણીને લગતુ ચોપાનીયું અથવા ભીંતપત્ર” એટલે ઉમેદવાર કે ઉમેદવારોના જૂથની ચૂંટણીની તકો વધારવા કે તેને પ્રતિકૂળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કોઈ છાપેલુ ચોપાનીયુ કે હેન્ડ બીલ અથવા બીજુ-ત્રીજુ લખાણ અથવા ચૂંટણીને લગતુ ભીતપત્ર એવો અર્થ થાય છે પરંતુ માત્ર ચૂંટણી સભાની તારીખ, સમય, સ્થળ અને બીજી વિગતો આપતા અથવા ચૂંટણી એજન્ટ કે કાર્યકરોને કામકાજ અંગેની સુચનાઓ આપતા હેન્ડબીલ સુત્ર પાટિયા કે ભીતપત્રોનો તેમાં સમાવેશ થતો નથી.
આ હુકમનો ભંગ કર્યેથી BNS, 2023 ની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગૂન્હો સાબિત થયે છ માસની સાદી કેદ અથવા રૂા. ૨,૫૦૦/- દંડ અથવા બન્નેની સજા થઈ શકશે. આ ઉપરાંત ચૂંટણી આચાર સંહિતાના ભંગ બદલની શિક્ષાને પાત્ર ઠરશે.આ હુકમ પ્રસિધ્ધ થયાની તારીખથી જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬-કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫-પલાસવા મતદારમંડળના મતદારવિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)