
રાજયના ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્રારા પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા કુલ-૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ-૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.
ઉકત ચૂંટણીઓ મુકત, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા સંપુર્ણપણે જળવાય રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ જાહેર સલામતી જોખમાય નહિ તેવા હેતુસર જિલ્લાના તમામ સ્વરક્ષણ તથા પાકરક્ષણના પરવાના ધારકોના હથિયારો ચુંટણી પ્રક્રિયા પુરી થતા સુધી પોલીસ સ્ટેશનમાં જમાં લેવા જરૂરી જણાતા જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધકર્તા પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૨(૧)(બી) ની જોગવાઈ હેઠળ હુકમ કરવામાં આવેલ છે.
આ હુકમ હેઠળ જમા લેવાયેલ હથિયારો શસ્ત્ર અધિનિયમ તથા શસ્ત્ર નિયમોમાં થયેલ જોગવાઈ મુજબ સંબંધીત પોલીસ સ્ટેશનમાં સલામત અને સુરક્ષિત રીતે રાખવાના રહેશે, જમા લીધેલ હથિયારની પહોંચ આપવાની રહેશે. તથા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંબંધીત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશેઆ હુકમ બેંક કે અન્ય સંસ્થાઓ કે જયાં સીકયુરીટીના પ્રશ્ન હોય તેવા પરવાનેદારને લાગુ પડશે નહીં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)