જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોને સ્થળ પર જ મળ્યું પોતાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ
વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સાથે રાખીને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ
લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા ૧૩ પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સમક્ષ વીજળીની હાઈ ટેન્શન લાઈન, વળતર, પ્રોટેક્શન દિવાલ, દબાણ, ગટર, ગેરકાયદે બાંધકામ સહિતના સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.ઉક્ત પ્રશ્નો પૈકી એક અરજદારની માલિકીની જમીનમાંથી હાઈ ટેન્શન લાઈન સંબંધિત રજૂઆતનો સુખદ ઉકેલ આવ્યો હતો.
આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચના અપાઈ હતી. અન્ય એક પ્રશ્નમાં અરજદારની રજૂઆત તેમના ઘર પાસેથી પસાર થતી ખાડીની દિવાલ તૂટી જવાના લીધે ઘરમાં વરસાદી પાણી ભરાવાની હતી, જે અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત કચેરીને સત્વરે કાયદેસર કાર્યવાહી કરવા કહ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી. તેમજ આ સાથે કલેક્ટરશ્રીએ તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું. આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કાર્યકારી ડીડીઓશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)