જૂનાગઢ, તા. ૫ – જૂનાગઢ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનના સુચારૂ આયોજન માટે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર તેજસ પરમારની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
કાર્યક્રમોની રૂપરેખા
બેઠકમાં નક્કી કરાયું કે અભિયાન અંતર્ગત ૧૫મી ઑગસ્ટ, સ્વતંત્રતા દિવસ સુધી વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટિવિટીઝ યોજાશે. પ્રથમ તબક્કામાં, ૦૮મી ઑગસ્ટ સુધી વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, ચિત્ર સ્પર્ધા અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
બીજો અને ત્રીજો તબક્કો
બીજા તબક્કામાં, તા. ૯ થી ૧૨ ઑગસ્ટ સુધી તમામ તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિવિધ સ્થળોએ સઘન સ્વચ્છતા ઝુંબેશ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે.
ત્રીજા તબક્કામાં, તા. ૧૩ થી ૧૫ ઑગસ્ટ દરમિયાન ‘સેલ્ફી વિથ તિરંગા’, સ્વચ્છતા સંવાદ, તિરંગા યાત્રા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી યોજાશે.
અભિયાનનો હેતુ
હર ઘર તિરંગા અભિયાન દ્વારા લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરાશે. જિલ્લાના તમામ નાગરિકોને વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ