જૂનાગઢ, તા. 13 ઓગસ્ટ – સમગ્ર દેશમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના જોશીપરા આંગણવાડી કેન્દ્ર ખાતે દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમોનું આયોજન થયું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના આયોજન હેઠળ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ આંગણવાડીમાં રાષ્ટ્રધ્વજ રંગપૂરણી તથા દેશભક્તિ ગીતો પર ડાન્સ યોજાયા. કાર્યક્રમમાં બાળકો સાથે વાલીઓ અને સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ જોશીપરા તેમજ ગીરીરાજ–2 આંગણવાડી કેન્દ્ર નં. 9 અને 10 ખાતે આ આયોજન કરાયું.
સરકાર દ્વારા શરૂ કરાયેલ “હર ઘર તિરંગા” અભિયાનનો હેતુ નાગરિકોમાં દેશપ્રેમની ભાવના વધારવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અસંખ્ય યોગદાનને સન્માન આપવાનો છે. આ અંતર્ગત દેશભરમાં તિરંગા રેલીઓ, રંગપૂરણી સ્પર્ધાઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અવસરે ડીએચઈડબલ્યુ ટીમમાંથી કૃપાબેન ખુંટ, મીનાક્ષીબેન ડેર, ઓએસસી ટીમમાંથી હિરલબેન ખુંટ, તેમજ આંગણવાડી કાર્યકર હેમાંગીબેન જોશી, ભાદરકા વનીતાબેન, ધાખડા રાજેશ્રીબેન, જોટંગીયા જાગૃતિબેન સહિતના ઉપસ્થિત રહ્યા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ