જૂનાગઢ, તા. ૧૨: સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સમગ્ર જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો. જિલ્લાના તમામ ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રોએ દેશભક્તિ અને એકતાના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું, જેમાં નાનાં બાળકો, માતા-પિતા તેમજ લાભાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો.
તિરંગાની ઝળહળ સજાવટ
આંગણવાડી કેન્દ્રોના પ્રાંગણને તિરંગાના રંગોથી સજાવટ કરવામાં આવી હતી. દિવાલો પર દેશપ્રેમના સૂત્રો, તિરંગા કાગળની ઝુમ્મર, નાના-નાના કાગળના ધ્વજ અને ફુલોથી મંડપ સજાવવામાં આવ્યા હતા. કેટલાક કેન્દ્રોમાં તો બાળકોના હાથથી તૈયાર કરાયેલા ક્રાફ્ટથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું.
રંગોળીથી દેશપ્રેમનું પ્રદર્શન
બાળકો અને મહિલાઓએ તિરંગા થીમ આધારિત સુંદર રંગોળી બનાવી. રંગોળીમાં તિરંગાના ત્રણ રંગો, અશોક ચક્રના પ્રતીકો, ભારતનું નકશો અને સ્વતંત્રતા સેનાનીઓના ચિત્રો ઉકેલીને દેશભક્તિની ભાવના ઉજાગર કરી.
ધ્વજવંદન અને દેશપ્રેમના ગીતો
પ્રવૃત્તિઓમાં મુખ્ય આકર્ષણ ધ્વજવંદન હતું. કેન્દ્રોમાં હાજર તમામ લોકોએ રાષ્ટ્રગાન ગાયું, ત્યારબાદ નાનકડા બાળકો દ્વારા “વંદે માતરમ”, “સારે જહાં સે અચ્છા” જેવા દેશપ્રેમના ગીતો રજૂ કરાયા. અનેક જગ્યાએ બાળગીતો સાથે સ્વતંત્રતા સેનાનીઓ પર આધારિત નાટ્યરૂપાંતર પણ રજૂ કરાયા.
બાળકોનો ઉમંગ
ત્રિરંગાના વસ્ત્રોમાં સજ્જ બાળકો હાથમાં ધ્વજ લઈને ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નારા લગાવતા જોવા મળ્યા. બાળકોના ચહેરા પર દેશપ્રેમનો ઉમળકો સ્પષ્ટ ઝળકતો હતો. માતા-પિતા પણ બાળકો સાથે દેશભક્તિ ગીતોમાં જોડાયા.
હેતુ અને પ્રેરણા
આંગણવાડી બહેનોએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓનો હેતુ માત્ર ઉજવણી કરવો જ નહીં પરંતુ નાનકડા બાળકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સંસ્કારનું બીજ વાવવાનું છે. “હર ઘર તિરંગા” અભિયાન દ્વારા સમાજના દરેક વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાડવાનો સંદેશ આપવામાં આવ્યો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ