
કચ્છ, તા. 24 એપ્રિલ 2025:
કચ્છના પ્રખ્યાત અને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક બનેલા રણકાંધી વિસ્તારમાં આવેલા પવિત્ર હાજીપીર ધામ ખાતે યોજાયેલા ત્રિદિવસીય મેળામાં આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. તાપમાની પરવા કર્યા વગર ભક્તો પગપાળા તથા વાહનોથી હાજીપીર બાપાની દર્શન માટે ઉમટી પડ્યા હતા.
આ મેળા દરમિયાન ભુજ શહેરના ‘ભારતીય નારી સુરક્ષા સંગઠન’ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવાકાર્ય સ્વરૂપે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ભક્તોને ઠંડુ પાણી, છાશ અને આરામદાયક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. સેવાને ધ્યેય બનાવી લોકો માટે શાંત વાતાવરણ અને થાક ઉતારવાનો અવકાશ ઉભો કરવામાં આવ્યો.
કેમ્પનું ઉદ્ઘાટન લખપત તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હેમેન્દ્રભાઈ જણસારી તથા આદમભાઈ જતના કર કમળે લીલી ઝંડી આપીને કરાયું હતું.
સેવા કાર્યમાં સંગઠનની પ્રમુખ કરિશ્માબેન ખોજા સહિત સીમાબેન ખોજા, આરોહી ખોજા, કાયનાત ખોજા, રમાબેન માકડ, આરતીબેન હંસોરા, સોનાક્ષી, માહી, રોહિતભાઈ માકડ, ઝહીર રમેજા, માલસી માતંગ અને અન્ય સભ્યો ઊંડા ઉત્સાહ સાથે જોડાયા હતા.
કાર્યક્રમના વ્યવસ્થાપન અને સંચાલનની જવાબદારી વારિસ પટણીએ નિભાવી હતી.
ભક્તો અને અતિથિઓએ સંગઠનના સેવાભાવની પ્રશંસા કરી હતી અને આવું કાર્ય દર વર્ષે યથાવત્ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ મેળો કચ્છ જિલ્લામાં માત્ર ધાર્મિક જ નહિ પણ સામાજિક સમરસતા, સંસ્કૃતિ અને લોકોના એકતાના ઉદાહરણ રૂપે પણ જોવા મળે છે. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને શ્રદ્ધા અને ભક્તિની ભાવના સાથે હાજીપીર બાપાની ઉપાસના કરે છે, જે એક આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક માળા બનાવે છે.
અહેવાલ: વારીસ પટણી, કચ્છ