રાજકોટમાં રીક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ત્રણ શખ્સો ઝડપાયા!

રાજકોટ:
જિલ્લામાં નેશનલ હાઇવે પર પેસેન્જરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગને ગોંડલ બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે. રીક્ષામાં બેસાડી અલગ અલગ સ્થળોએ ઉતારતા આરોપીઓ ઉલટી કરવાની મોખી કરી પેસેન્જરની નજર ચૂકવી પોકેટમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સામાન ચોરી લેતા હતા.

પોલીસે નીલેશ ઉર્ફે કાલી ભુપતભાઇ ગેડાણી, ધનો ઝાડીયો, દેવજીભાઈ ગેડાણી તથા અજયસિંહ ઉર્ફે અજુનસિંહ ભીખુભા સોઢાને ઝડપી પાડી છે. આ ત્રણે શખ્સો સામે અગાઉ રાજકોટ, અમદાવાદ, મોરબી, જૂનાગઢ, દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

10 એપ્રિલે બન્યો હતો તાજેતરો બનાવ:
ફરિયાદી સાવનભાઈ મગનભાઈ ગળચર દ્વારા પોલીસમાં નોંધાયેલી માહિતી મુજબ, 10 એપ્રિલના રોજ આશાપુરા ચોકડીથી રીક્ષામાં બેસીને ગુંદાળા ચોકડી તરફ જતા સમયે ચોરી થઈ હતી. આરોપીઓ પૈકીના એકે ઉલટી કરવાની આડમાં ધ્યાન ભટકાવ્યું અને પેસેન્જરના ખિસ્સામાંથી રોકડ રૂપિયા અને પર્સ ચોરી લીધો હતો.

પોલીસે દાખવ્યું ચપળતા:
PI જે.પી. ગોસાઇ તથા સર્વેલન્સ સ્ટાફે વિવિધ સી.સી.ટી.વી. ફૂટેજ, પોકેટ કોપ અને ઇ-ગુજકોપ એપ્લિકેશન તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણે આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 14,130/- રોકડ અને રૂ. 50,000/- કિંમતની GJ03CT 2361 નંબરની સી.એન.જી. રીક્ષા કબ્જે કરવામાં આવી છે.

અધિકારીની બાઈટ:
DYSP કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે, “આમની અટકથી અનેક ખુલાસા થયા છે અને અન્ય ગુનાઓમાં પણ તપાસ શરૂ કરાઈ છે. લોકો ને સાવચેત રહેવાની અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવાની અપીલ કરીએ છીએ.”