સાળંગપુર, 12 એપ્રિલ 2025
ગુજરાતના પવિત્ર ધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરે 11 અને 12 એપ્રિલના રોજ ભવ્ય હનુમાન જન્મોત્સવની શાનદાર ઉજવણી થઈ હતી. આ મહોત્સવમાં અંદાજે 7થી 10 લાખ ભક્તો દાદાના દર્શને ઉમટ્યા હતા અને ભક્તિભાવ સાથે આશીર્વાદ મેળવ્યા હતા.
સવારની મંગળા આરતી અને પછીની શણગાર આરતીમાં આખું મંદિર પરિસર ચિક્કાર ભીડથી ભરાઈ ગયું હતું. દાદાને દિવ્ય છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા અને હજારો ભક્તોએ હર્ષભેર આરતીનો લાભ લીધો હતો.
🔸 11 એપ્રિલ: વિધાનપૂર્વક શોભાયાત્રા અને રાજોપચાર પૂજન
સવારના 7:30 વાગ્યે 1008 કિલો પુષ્પોથી દાદાનું રાજોપચાર અભિષેક કરવામાં આવ્યો. બપોરે 4 વાગે કળશ યાત્રા યોજાઈ, જેમાં 4 હાથીઓ પર દાદા બિરાજમાન થયા અને હજારો બહેનો ભક્તોએ માથે જળ ધારણ કરી પુષ્પાંજલિ આપી. 251 ભક્તોએ સાફા ધારણ કરીને વિશેષ સેવા આપી.
🔸 ભક્તિ અને લોકકલા સાથે જીવંત મહોત્સવ
આફ્રિકન સીદી ડાન્સ, નાસિક ઢોલ, ડી.જે., બેન્ડ-બાજા જેવી ટીમોએ ભક્તોને ભક્તિ અને ઉત્સાહથી ગરબાવ્યા. દાદાને 251 કિલો પુષ્પો અને 25,000 ચોકલેટોથી વિશેષ વધામણા આપવામાં આવી.
🔸 કિંગ ઓફ સાળંગપુર ખાતે મહારતી અને લાઈવ કોન્સર્ટ
રાત્રે 9:30 વાગે “કિંગ ઓફ સાળંગપુર” ખાતે દીવડા સાથે સમૂહ આરતી યોજાઈ હતી. બાદમાં લોકપ્રિય કલાકાર જીગરદાન ગઢવીના ભક્તિ સંગીત કાર્યક્રમ “ડાન્સ વિથ ભક્તિ” લાઈવ કોન્સર્ટથી મહોત્સવને શિખર પર પહોંચાડ્યો.
🔸 1000 ભક્તોએ પાટલા ગહન કરીને મારુતિ યજ્ઞમાં સહભાગીતા નોંધાવી
હનુમાન જયંતીના પવિત્ર અવસરે સમૂહ મારુતિ યજ્ઞ પણ યોજાયો જેમાં 1,000 ભક્તોએ પાટલા બેસી શ્રદ્ધાથી યજ્ઞમાં ભાગ લીધો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ