૧૫૭ કિલો પોષ ડોડા સાથે ઈસમ ઝડપાયો, ૪.૭૫ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ.

ગુજરાત સરકારના “નશામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત અને ભાવનગર જિલ્લા પોલીસના “NO DRUGS IN BHAVNAGAR” અભિયાનને વધુ મજબૂતી મળતી દેખાઈ રહી છે. ભાવનગર એસ.ઓ.જી.એ મોટી કાર્યવાહી કરતા ૧૫૭ કિલો ૯૧૨ ગ્રામ પોષ ડોડા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે, જેની અંદાજીત કિંમત રૂપિયા ૪,૭૩,૭૩૬/- જેટલી થાય છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે હિંમતભાઈ દુલાભાઈ ધામેલિયાને પકડી પાડવામાં આવ્યો છે, જે તળાજા તાલુકાના રાજપરા ગામના રહેવાસી છે. પોલીસે તેના કબ્જામાંથી પોષ ડોડા ઉપરાંત તોલવાનું કાંટું, આધારકાર્ડ અને લાઈટ બીલ મળી કુલ રૂ. ૪,૭૫,૭૩૬/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ કામગીરી ભાવનગર એસ.ઓ.જી.ના પી.આઈ. ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ અને હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલની બાતમીના આધારે અમલમાં મૂકાઈ હતી. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમો હેઠળ અલંગ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સફળ ઓપરેશનમાં ASI મહાવીરસિંહ ગોહિલ, ASI વિજયસિંહ ગોહિલ, ASI જયરાજસિંહ જાડેજા, HC મહિપાલસિંહ ગોહિલ સહિત કુલ ૧૨ જેટલા પોલીસ કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

આ કેસથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા પોલીસ નશામુક્તિ અભિયાન માટે પ્રતિબદ્ધ છે અને આવાં ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે.

અહેવાલ: સતાર મેતર, સિહોર