૧૬મું નાણાપંચ જુનાગઢ જિલ્લાના સાસણની મુલાકાતે.

જૂનાગઢ

નાણાપંચના સભ્યોએ વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી તેમના રક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની સરાહના કરી

ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મહેસુલની વહેંચણી અંગેની ભલામણો કરવા માટે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી સંસ્થા એટલે ૧૬ મું નાણાપંચ જે એક એપ્રિલ ૨૦૨૬ થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેશે. જે અંતર્ગત સંબંધિત રાજ્યોની મુલાકાતમાં હાલ ગુજરાતની મુલાકાત દરમિયાન જૂનાગઢના સાસણની મુલાકાત લઇ વિસ્તૃત માહિતી મેળવી હતી. ૧૬માં નાણાં પંચના અધ્યક્ષશ્રી ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો સર્વશ્રી એની જ્યોર્જ મેથ્યૂ, ડૉ. મનોજ પંડા અને સૌમ્યકાંતિ ઘોષ સાથે ટીમનાં સભ્યો સાસણ ખાતે આવી પહોંચતા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવશીયા અને સાસણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. રામ મોહને સૈાને આવકાર્યા હતા.

નાણાપંચનાં સભ્યોએ ગીરની આગવી ઓળખ એવા ધમાલનૃત્યને નિહાળી ગીરની સંસ્કૃતિનાં દર્શન કર્યા હતા. ઉપરાંત સાસણ સિંહ સદન ખાતેની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક ડૉ. રામ મોહન દ્વારા વિશ્વમાં એક માત્ર સાસણમાં જોવા મળતા એશિયાટીક સિંહ તથા સાસણ ગીર અભ્યારણ્યમાં વસવાટ કરતા અન્ય વન્ય પ્રાણીઓ તેમજ પક્ષિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી તેમના રક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની સરાહના કરી હતી. અને સાસણ અભ્યારણ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી કામગીરી અંગે ચિતાર મેળવ્યો હતો. આ તકે કલેકટરશ્રી અનિલકુમાર અને મેંદરડા પ્રાંત અધિકારી સુશ્રી હિરલ ભાલાળા પાસેથી ગ્રામીણ વિસ્તારની વિવિધ જરૂરિયાતો અને વિકાસના વિવિધ કામ અંગે ઉચિત સંશાધન, પ્રાપ્ત ફંડ અને વિકાસના વિવિધ કામોની પ્રગતિ વિશે માહિતી મેળવી હતી.

૧૬માં નાણાપંચનાં સભ્યોએ ગીરની ખુશ્બુ એવા વનરાજોને વનપ્રદેશમાં વિહરતા, અને વન્ય જીવસૃષ્ટીનાં સંવર્ધન માટે વનવિભાગે લીધેલ પગલા અંગે નાયબ વનસંરક્ષક પાસેથી જાણકારી મેળવી સફારી પાર્કની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)