૩૨ કરોડના ખર્ચે બનેલા ફ્લાય ઓવર ગાંધીધામ – આદિપુર (ટાગોર) રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું

કચ્છ ભુજ

ઓસ્લો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમમાં કન્સ્ટ્રકશન ઓફ ફ્લાય ઓવર બ્રિજ ઓન ગાંધીધામ- આદિપુર( ટાગોર) રોડનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 32 કરોડના ખર્ચે આ ફ્લાય ઓવરનું નિર્માણ કરીને લોકોને ભેટ આપવામાં આવી છે ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાથી આદિપુર- ગાંધીધામ શહેરનો તેમજ દિનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે. \
ફ્લાયઓવરના કારણે આદિપુર – ગાંધીધામ શહેરનો તેમજ દિનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે – ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી

આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીધામના વિકાસ માટે સવા કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે શ્રી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. તેમણે આ પ્રસંગે ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતા ડ્રેનેજ લાઈન, નલ સે જલ યોજના, દરેક વોર્ડમાં થતા પેવર બ્લોકના વિકાસ કામો અને આગામી સમયમાં 300 કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનની વિકાસ કામગીરી અંગે છણાવટ કરી હતી.
આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટીબધ્ધ છે ત્યારે નિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમજ સમય અને ઇંધણનો બચાવ થતા લોકોને ફાયદો થશે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ ,તાલુકા પંચાયત પ્રમુખ શાંતીબેન બાબરીયા, જિલ્લા પંચાયત સદસ્યો શ્રી તાલુકા પંચાયત સદસ્યો શ્રી તેમજ અગ્રણીશ્રીઓ ધવલભાઇ આચાર્ય,પંકજભાઈ ઠક્કર, બાબુભાઈ ગુજરીયા સહિતના પદ અધિકારીશ્રીઓ તેમજ સંબંધીત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ – દિપક ભાઈ આહીર (કચ્છ ભુજ)