રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી
૩૯મી અખિલ ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ વહેલી સવારે ફ્લેગ ઓફ શુભારંભ કરાવ્યો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી હતી. પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા, ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલ્યા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતાં અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગર આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર – જૂનાગઢ સંચાલિત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધી (૫૫૦૦ પગથિયા) અને બહેનો માટે માળી પરબ (૨૨૦૦ પગથીયા) સુધીની સ્પર્ધા રહે છે.
ઉલ્લેખનીય છે કે, અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ ૪ કેટેગરીમાં ૧૨૦૭ સ્પર્ધકો નોંધાયા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)