૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૫ જાન્યુઆરીના યોજાશે

ગરવા ગિરનારને સર કરવા રાજયભરના ૧૨૦૭ સ્પર્ધકો દોટ મુકશે

જૂનાગઢ તા.૧  ૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી  તા.૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ યોજાશે. જેમાં રાજયભરમાંથી  ૧૨૦૭ જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે. 

ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી ૪ વય ગ્રુપમાંથી કુલ ૧૨૦૭ સ્પર્ધકો  પસંદગી પામેલ છે. જેમાં ગૃપ પ્રમાણે    સિનિયર ભાઈઓ ૫૫૮, જુનિયર ભાઈઓ ૩૬૬, સિનિયર બહેનો ૧૪૯, જુનિયર બહેનો ૧૩૪ સ્પર્ધકો ભાગ લેશે. આ ૪ વિભાગના પ્રથમ ૧૦ વિજેતા સ્પર્ધકોને કુલ રૂ. ૮૪૦૦૦૦ના  ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો આપવામાં આવશે

અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા. ૫/૧/૨૦૨પના  સવારે ૭ કલાકે યોજાનાર છે. પસંદગી પામેલ સ્પર્ધકો એ તા. ૪/૧/૨૦૨૪ના રોજ બપોર પછી ૩ કલાકે  સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા, જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી, સિનિયર -  જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય  કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. 

 આ સ્પર્ધા ની પસંદગી યાદી તથા  રદ થયેલ નામોની યાદી તથા સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી  Dydo Junagadh  ફેસબુક આઇડી પર મૂકવામાં આવેલ છે.  વધુ માહિતી માટે કચેરીના  સંપર્ક નંબર ૦૨૮૫- ૨૬૩૦૪૯૦  ઉપર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)